માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના દૈનિક 2.5 લાખ લિટર દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજે શુભારંભ થયેલ મધુર ડેરીના આ પ્લાન્ટનો સૌથી વધુ ફાયદો પશુપાલક માતાઓ-બહેનોને થવાનો છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ટેક્નોલોજી થકી સહકારિતા ક્ષેત્રમાં આવેલ પરિવર્તન અંગે તેમજ આ પરિવર્તનથી વધી રહેલ Women Empowerment અંગે સૌને માહિતગાર કર્યાં હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ આદરણીય અમિતભાઈના દિશાદર્શનમાં ગાંધીનગર માટે શ્વેત ક્રાંતિથી વિકાસ ક્રાંતિનો ઉત્સવ છે. તેમણે આજે મધુર ડેરીમાં નવું સોપાન ઉમેરાવા બદલ સમસ્ત મધુર ડેરી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુજરાતની ધરતી સહકારની ભાવનાથી સદીઓથી સમૃદ્ધિની ધરતી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના માર્ગદર્શનમાં રાજ્યમાં સહકાર ક્ષેત્રમાં આવેલ પ્રગતિ અંગેની રૂપરેખા આપી, સહકાર ક્ષેત્રને વધુ સશક્ત બનાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


Post a Comment